Dekhi Darun Deshina Dukh - Geet | RekhtaGujarati

દેખી દારૂણ દેશીનાં દૂખ

Dekhi Darun Deshina Dukh

નર્મદ નર્મદ
દેખી દારૂણ દેશીનાં દૂખ
નર્મદ

દેખી દારૂણ દેશીનાં દૂખ, નર્મદ દીલ દાઝે છે;

પેખી પરદેશીનાં ઊંચ સૂખ, નર્મદ દીલ દાઝે છે - ટેક

એ એકલડો ઘેલો ગણાએ, વાત ન સૂણે કોય;

છાંય કુઆની કુઆમાં સમાએ, ઊંડી કોઠીમાં કુકવો હોય - નર્મ...

નર્મદનું તેમ ઘણા જણકેરાં, દાઝશે દિલડાં ઝાઝ;

ત્યારે રે ત્યારે ઉપાય સુઝે ને, સ્હેજે સીઝશે સંધાં કાજ - નર્મ...

રૂઢી ધરમ ને રાજતણાં સહું, છૈયે જ નીચા દાસ;

વેઠવાં બંધન દુખ ત્હાં લગી ઉંચાં સુખથી રહેવું નીરાસ - નર્મ...

જ્ઞાન અને ઊંચી સંગત જોગે, સત્ય વિચારી જેહ;

ભાવી સંકટથી ભય નવ પામી, કરે સ્વતંત્રતા સૂં નેહ - નર્મ...

પરદેશીકેરાં સુખ સહુ ઊંચાં, જોઈ ન ઇચ્છે તેહ;

નરતન પણ પાષાણ રૂપે, બૂસા જડભરતો શૂં લેહ - નર્મ...

સ્વતંત્રતાના સુખના લ્હાવા, જારે રૂડા સમજાય;

ઇતિહાસ વાંચી વિચાર કરેથી, કુળૂં કાળજ હુનું થાય - નર્મ...

નિજ દેશી જનની દાઝ વધે ને, સંપે સદા વરતાય;

મારી ભૂમિ જન ભાંડું મારા, એવું સંઘે ભણૈ જશ થાય - નર્મ...

નર્મદ કહે કવિ ભાઈઓ સંધા, જગવોની આર્યાભિમાન;

દેશની ભક્તિ ને શૌર્ય વધારો, ગાઈ સ્વતંત્રતાનાં ગાન - નર્મ...

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ