arisaye chakline sambhlawelun geet - Geet | RekhtaGujarati

અરીસાએ ચકલીને સંભળાવેલું ગીત

arisaye chakline sambhlawelun geet

પુરુરાજ જોષી પુરુરાજ જોષી
અરીસાએ ચકલીને સંભળાવેલું ગીત
પુરુરાજ જોષી

લ્હેરતાં’તાં લીલાંછમ વંન જ્યહીં રોજ, આજ એકાદી કૂંપળ ના મ્હોરતી

દૃશ્યો તો ખરી ગયાં ક્યારનાં યે ચલ્લી તું ખાલીપો કાચનો કાં કોરતી?

ઝીલ્યાં છે મેઘધનું છાતી પર કોઈ દિ’ તેં

આંજ્યું છે આંખે આકાશને?

મુલાયમ સૂરજો ને પીધા છે ટેરવે કે–

હોઠોથી સ્પર્શી છે પ્યાસ ને?

શ્વાસોના ઘૂઘવતા સાગર સૂંધ્યા છે કદી? સાંભળી છે રોમ-વેલ કોળતી?

દૃશ્યો તો ખરી ગયાં ક્યારનાં યે ચલ્લી તું ખાલીપો કાચનો કાં કોરતી?

ખીલતી’તી રાતરાણી ભર રે બપ્પોર અને

કેસૂડો કોળતો’તો રાતમાં!

ફાગણના દ્હાડામાં ઝરણાં ફૂટતાં’તા ને

ખીલતો’તો ચાંદો પ્રભાતમાં!

મટકું યે માર્યા વિણ સુણતી’તી રાત અને ભીંતો વાતો વાગોળતી!

લ્હેરતાં’તાં લીલાંછમ વંન જ્યહીં રોજ, આજ એકાદી કૂંપળ ના મ્હોરતી

મોગરાની ડાળખી શા અડતા’તા હાથ

ત્યારે લાગતું’તું હું ખુદ સુગન્ધ છું

ગુલમ્હોરી કાયાને ભાળતો’તો રોજ

હવે આંખો છતાં જાણે અન્ધ છું

વહી ગયાં લીલીછમ વેળાનાં વ્હેણ હવે સૂક્કીભઠ શૈયાઓ સોરતી

દૃશ્યો તો ખરી ગયાં ક્યારનાં યે ચલ્લી તું ખાલીપો કાચનો કાં કોરતી?

સ્રોત

  • પુસ્તક : નક્ષત્ર (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : પુરુરાજ જોષી
  • પ્રકાશક : બકુલા પુરુરાજ જોષી
  • વર્ષ : 1979