dariyana mojan kani retine puchhe - Geet | RekhtaGujarati

દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે

dariyana mojan kani retine puchhe

તુષાર શુક્લ તુષાર શુક્લ
દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે
તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ?’;

એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;

આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું?

ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;

એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;

મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.

મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;

એમ પૂછીને થાય નહીં પ્રેમ.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.