Dange Marya Pani - Geet | RekhtaGujarati

ડાંગે માર્યાં પાણી

Dange Marya Pani

હરિહર શુક્લ હરિહર શુક્લ
ડાંગે માર્યાં પાણી
હરિહર શુક્લ

ડાંગે માર્યાં પાણી છૂટાં પડી ગયાં રે લોલ!

પાંપણના પરદેથી મોતી દડી ગયાં રે લોલ!

તારું સ્વાગત કરવા માટે

તારા ચરણે ધરવા માટે

ફૂલ વીણવા ગયો ને કંટક અડી ગયાં રે લોલ!

ડાંગે માર્યાં પાણી...

પાંપણના પરદેથી છૂટ્યાં

તસ્બીહના મણકામાં ખૂટ્યાં

મૃગજળના દરિયામાં મોતી જડી ગયાં રે લોલ!

ડાંગે માર્યાં પાણી...

તું મારી સામે શું આવ્યો!

વિરહનો અણસારો લાવ્યો!

મલકાતાં મલકાતાં હોઠો રડી ગયાં રે લોલ!

ડાંગે માર્યાં પાણી...

ડાંગે માર્યાં પાણી છૂટાં પડી ગયાં રે લોલ!

પાંપણના પરદેથી મોતી દડી ગયાં રે લોલ!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ