kaaliyo dholii - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળોયો ઢોલી

kaaliyo dholii

શંકર પેઇન્ટર શંકર પેઇન્ટર
કાળોયો ઢોલી
શંકર પેઇન્ટર

ઢોલ ઓશીકે, વડલા હેઠળ, ઊંઘતો ઓલ્યો કાળીયો ઢોલી;

લોકશાહીમાં રાજકર્તાઓને ચૂંટવાવાળો કાળીયો ઢોલી!

સોળ શણગારે સજ્જ ગોરીઓ, ચીંથરેહાલ ઓલ્યો કાળીયો ઢોલી;

ગરબે ઘૂમે ગૌરીઓ ત્યારે ઢોલ વગાડે કાળીયો ઢોલી!

હૈયા હિલ્લોળે હાથની જેડી, નાચ નચાવે કાળીયો ઢોલી;

શૂરવીરોને શૂર ચઢાવે, બૂંગિઓ ગજવી કાળીયો ઢોલી!

મંગળકામે મુહૂર્તવેળા, આંગણિયામાં કાળીયો ઢોલી;

છેલ્લી વેળાએ ડાઘુઓ લારે, ઉઘાડપગો કાળીયો ઢોલી!

મડદાં પરનાં કફન-કાઠી, ઓઢનારો ઓલ્યો કાળીયો ઢોલી;

સ્વચ્છ શેરીઓ સાવરણાથી, કરતો કાયમ કાળીયો ઢોલી!

એઠું જુઠું વાળું માંગી પેટડું ભરતો કાળીયો ઢોલી;

ગાળ તુંકારા તોછડાઈથી ટેવાઈ ગયેલો કાળીયો ઢોલી!

“અન્નદાતા, માઈબાપ અમારા”, હાથ જોડી કહે કાળીયો ઢોલી;

ખાસડું માર્યું, સાફ કરીને, આપે પાછું કાળીયો ઢોલી!

ભૈઠ વગરની વાતમાં હસતો, ચાપલૂસી કરે કાળીયો ઢોલી;

ફરકે આંખડી ઉજળિયાતની ફફડી મરતો કાળીયો ઢોલી!

મહેનતાણા વિના રાત ને દા’ડો, વેઠ કરે ઓલ્યો કાળીયો ઢોલી;

માટીગારાને ઘાસપુળાની, ઝૂંપડીવાળો કાળીયો ઢોલી!

સર્વ દુઃખોને ભૂલવા માટે, ઢીંચતો દારૂ કાળો ઢોલી;

વાંક વિના બાયડી છોરાંને, ધીબતો ધોકે કાળીયો ઢોલી!

લોકશાહીમાં રાજકર્તાઓને, ચૂંટવાવાળો કાળીયો ઢોલી;

ઢોલ ઓશીકે, વડલા હેઠળ, ઊંઘતો રહ્યો કાળીયો ઢોલી!

સ્રોત

  • પુસ્તક : હાચ્ચે હાચ્ચુ, બોલનઅ ફાડ્યા? (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : શંકર પેન્ટર
  • પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન
  • વર્ષ : 2010