ansukhuti nakhkhodninun geet - Geet | RekhtaGujarati

આંસુખૂટી નખ્ખોદણીનું ગીત

ansukhuti nakhkhodninun geet

યશવંત વાઘેલા યશવંત વાઘેલા
આંસુખૂટી નખ્ખોદણીનું ગીત
યશવંત વાઘેલા

બાઈ! હું તો સેડો વાળેલો નહીં સોડું,

બાઈ! હું તો ભેંત્યે જઈને માથું પોડું.

બાઈ! મેં તો ઈમનેયે રાજરોગી જોયા,

બાઈ! મેં તો ઈમનેય જવાનીમાં ખોયા,

તોય મેં તો દીકરામાં સપનાં પરોયાં. ...બાઈ! હું તો સેડો.

બાઈ! મેં તો પાનીયો પંચાસીમાં ખોયો,

બાઈ! મેં તો કાનીયો કારસેવક ખોયો,

મુ...વો, એકેય માન્યો મારી વાત મારો રોયો. ...બાઈ! હું તો સેડો.

બાઈ! ભઈ ભૂવાએ ભડકાવી,

બાઈ! મેં તો માંડવડે માંને મનાવી,

વીરો, સરગે ગીયો ને આજ ભાભી વળાવી. ....બાઈ! હું તો સેડો.

બાઈ! મને નાગરિક બેન્ક વાળે લૂંટી,

હાય! મારી વાટખરચી આજ કૂટી,

હાય! આંસુ ખૂટી નખ્ખોદણી હું કરમફૂટ્ટી! …બાઈ! હું તો સેડો.

બાઈ! આજ, પેઢીયું નપાવટ પાકી,

બાઈ! પેઢી ગણતરમાં રૈ જૈ કાચી,

હાય! રુવે રુદિયું પેઢીનું ભાવિ વાંચી. ...બાઈ! હું તો સેડો.

સ્રોત

  • પુસ્તક : દલિત કાવ્ય સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 206)
  • સંપાદક : મોહન પરમાર