choriimaan var tathaa kanyaa banne tarafthii gaavaanun geet, panchrangi shobhanu geet - Geet | RekhtaGujarati

ચૉરીમાં વર તથા કન્યા બંને તરફથી ગાવાનું ગીત, પંચરંગી શોભાનું ગીત

choriimaan var tathaa kanyaa banne tarafthii gaavaanun geet, panchrangi shobhanu geet

દલપતરામ દલપતરામ
ચૉરીમાં વર તથા કન્યા બંને તરફથી ગાવાનું ગીત, પંચરંગી શોભાનું ગીત
દલપતરામ

લીલા પોપટ પઢે પાંજરે, લીલાં તોરણ પણ તે સમાન;

ત્રાજવું લીલું ગોરા ગાલમાંરે, લીલાં નાગરવેલનાં પાન,

સુંદર શોભા વરણવું.

પીળું કેસર પીળાં કેસુડાં, શોભે પીળો સોનેરી રંગ;

પીળું પાનેતર લાડીનુંરે, વરને પીળું પિતામ્બર અંગ, સુંદર...

રાતો હિંગળો સેંથે શોભીતો, રાતી કંકુની આડ કપાળ;

રાતી કન્યાતણી ચુંદડીરે, રાતા હોઠ ને પગ પણ લાલ, સુંદર...

કાળું કાજળ શોભે આંખમાં, વળી કાળો કોયલનો વેષ;

કાળા હાથી કાળી ઘનઘટારે, એવા કાળા કન્યાના છે કેશ, સુંદર...

હાથીના દાંત હંસલા, ધોળાં જાઇજુઈનાં ફુલ;

ધોળાં મોતી નથડીતણાંરે, ધોળા હીરાનો હાર અમુલ્ય, સુંદર...

મધુર સ્વર કોયલતણો, શુક સારિકા સ્વર સુખ દેણ;

મધુર સ્વર વીણા તણોરે, એવાં મધુર છે વનિતાનાં વેણ, સુંદર...

કોમળ જીભ ચકલીતણી, લાગે મોર પીં છે સુવાળાશ;

કાયા કોમળ કન્યા તણીરે, જેવાં કોમળ કમળ કપાસ, સુંદર...

રંગ રૂડા પાંચે કહ્યા, કહ્યા મધુર કોયલ ગુણ આમ;

સહુથી શોભા સદગુણતણીરે, દીસે ઉત્તમ દલપતરામ. સુંદર...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002