chokhuuniyun maarun khetar - Geet | RekhtaGujarati

ચોખૂણિયું મારું ખેતર

chokhuuniyun maarun khetar

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ચોખૂણિયું મારું ખેતર
ઉમાશંકર જોશી

ચોખૂણિયું મારું ખેતર નાનું,

કાગળનું એક પાનું.

વાવાઝોડું કોઈ ક્યાંકથી આવ્યું;

ક્ષણનું બીજ ત્યાં વાવ્યું.

કલ્પના કેરાં પીને રસાયણ

બીજ ગળી ગયું છેક.

શબ્દના અંકુર ફૂટ્યા, સુપલ્લવ–

પુષ્પનો લચ્યો વિશેષ.

લૂમ્યાં-ઝૂમ્યાં ફળ, રસ અલૌકિક :

અમૃતધારાઓ ફૂટે.

વાવણી ક્ષણની, લણો અનંતતા :

લૂટતાં લેશ ખૂટે.

રસનું અક્ષયપાત્ર સદાનું

ચોખૂણિયું મારું ખેતર નાનું.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ