chhol - Geet | RekhtaGujarati

અડકી ગઈ

નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઉપર ભૂરાં આભ ને નીચે સોનલવરણાં ખેત

વચમાં વ્હેતું જાય રૂપેરી વ્હેણ વળાંકા લેત,

જાંબળી આંકે રેખ આઘેરી ડુંગરિયાની ઓળ

આઘેરી ડુંગરિયાની ઓળ!

અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઊતરે ઓલ્યું રાન-સૂડાંનું ઝૂમખું લેતું ઝોક

અહીં તહીં ખડમોરની વળી કાબરી ભોળું ડોક,

દીસતું નહીં તોય રે મીઠા ગાનથી જાણું કોક

પીળચટી થોરવાડની આડે સૂર ઝરે ચંડોળ

ઝીણેરા સૂર ઝરે ચંડોળ!

અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

હળવી વાયે દખણાદિની ફૂલગુલાબી લ્હેર,

દૂર પણે ડોલતો લીલો અમરાઈનો ઘેર

માંહ્યથી મીઠી મ્હેકની હારે ઊડતી આણી મેર

જળ-થળે ઝાંય રેલતી આવે ચૂંદડી રાતીચોળ

હીરાગળ ચૂંદડી રાતીચોળ!

અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

(૧૯પ૮)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000