Sol Varasni Chhokarionu Geet - Geet | RekhtaGujarati

સોળ વરસની છોકરીઓનું ગીત

Sol Varasni Chhokarionu Geet

ચંદ્રકાન્ત શાહ ચંદ્રકાન્ત શાહ
સોળ વરસની છોકરીઓનું ગીત
ચંદ્રકાન્ત શાહ

સોળ વરસની ઉમ્મરને બે હોઠ વચાળે ધરબી,

છોકરીયુંએ વાત મૂકી તે કાન દઈને હવે સાંભળો થોડું -

સ્પર્શ નામની એક સાપણે અમને ડસતાં અમે અમારી આંગળીઓમાં

વીંટી લીધું આભ સચોડું.

કાન દઈને હવે સાંભળો થોડું.

ભણીગણીને ફૂલગુલાબી મનોરથોનું નામું કરતાં પાંપણ વચ્ચે શેષ રહી બે આંખ

પતંગિયા જેવાં સપનાંઓ છાતી પર આવી બેસે -

-'ને છાતીમાં પણ ઊંડે ઊંડે ફરફરતી બે પાંખ

કૂણી કૂણી ત્વચા વીંટાળી બેઠા ત્યાં તો નાગમણી વણઝાર થઈને નીકળ્યા

એની વાત મૂકી તે કાન દઈને હવે સાંભળો થોડું -

સ્પર્શ નામની એક સાપણે...

કાન દઈને હવે સાંભળો થોડું -

બે અક્ષરનું નામ બોલતાં અંદર અંદર ઇચ્છા જેવું ખટકે -

ખટકે-ખટકે નહિ તો ઇચ્છા એનું નામ નહિ કહેવાય.

'ને બે અક્ષરના નામે બાંધી જાળ જાળમાં રહ્યું સહ્યું ના જાય

તમને પછી જો ઇચ્છા આવી થાય - તો એની વાત કહી

તે કાન દઈને ફરી સાંભળો થોડું -

સ્પર્શ નામની એક સાપણે અમને ડસતાં અમે અમારી

આંગળીઓમાં વીંટી લીધું આભ સચોડું

કાન દઈને હવે સાંભળો થોડું.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 150)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ