અબોલા સખીનું (રહસ્ય) ગીત
Abola Sakhinu (Rahasya) Geet
મનોહર ત્રિવેદી
Manohar Trivedi

અમુકભાઈની તમુક છોકરી પ્હેરી ચણિયોચોળી રે
ફરે નજરની ચડઊતરમાં જાણે કે ખિસકોલી રે
છાયા જેવું રૂપ ને ઊભી તડકા હેઠે ન્હાતી રે
ફળના ભારે લચી પડેલી દાડમડી લહેરાતી રે
ટૌકે ટૌકે સૂડે એને નીંદરમાં કરકોલી રે
અમુક ભાઈની તમુક છોકરી પ્હેરી ચણિયોચોળી રે
ચપટીક ધૂળમાં નામ લખેલું, સળીએથી આળેખી રે
કહું કાનમાં વાત તો લોકો કે'શે મૂઈ અદેખી રે
વડછડનો વે'વાર હોય તો ભેદ આપીએ ખોલી રે
અમુકભાઈની તમુક છોકરી પ્હેરી ચણિયોચોળી રે
ફરે નજરની ચડઊતરમાં જાણે કે ખિસકોલી રે



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ