oy re chhokraan - Geet | RekhtaGujarati

ઓય રે છોકરા!

oy re chhokraan

કાલિંદી પરીખ કાલિંદી પરીખ
ઓય રે છોકરા!
કાલિંદી પરીખ

ઓય રે છોકરા! બોલ તારા મેં અમથા માગી લીધા છે.

અંગે અંગ મલકાય મને તેં કામણ એવાં કીધાં છે.

શ્રાવણ વરસે અનરાધારે,

છલકે હૈયું પ્રીતની ધારે,

ભીંજાઉં હું તો ભીતર-બહારે.

પાછલી રાતનાં શમણાં મીઠાં ઘૂંટડે ઘૂંટડે પીધાં છે.

અંગે અંગ મલકાય મને તેં કામણ એવાં કીધાં છે.

પગલે પગલે કંકુ ઝરતાં,

નજરુંમાંથી ફૂલો ખરતાં,

મૂંઝાઉં હું તો હરતાં-ફરતાં.

લીલા લીલા ઓરતા મેં તો હાથમાં તારા દઈ દીધા છે.

અંગે અંગ મલકાય મને તેં કામણ એવાં કીધાં છે.

સ્રોત

  • પુસ્તક : ઉદ્દેશ : ઑગસ્ટ ૨૦૦૩ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : રમણલાલ જોશી
  • પ્રકાશક : ઉદ્દેશ કાર્યાલય