chhel-chhabile - Geet | RekhtaGujarati

છેલ-છબીલે છાંટી મુજને છેલ-છબીલે છાંટી,

જમુના-જલમાં રંગ ગુલાબી વાટી...

છેલ-છબીલે છાંટી!

અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,

કહીં થકી તે એક જડી ગઈ હું રહેલી કોરી;

પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માથે ઘાટી!

છેલ-છબીલે છાંટી!

શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,

આજ નીસરી બ્હાર બાવરી ભૂલ થૈ ભાસે;

સળવળ સળવળ થાય ઉરે જ્યમ પ્હેલી પ્હેરી હો કાંટી!

છેલ-છબીલે છાંટી!

તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,

માધવને ત્યાં મનવી લેવા કરીને લોચન-લટકું;

જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!

છેલ-છબીલે છાંટી!

સ્રોત

  • પુસ્તક : પ્રિયકાન્ત મણિયારનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પાંચમું પુનર્મુદ્રણ