chhatiye chhundnan - Geet | RekhtaGujarati

છાતીએ છૂંદણાં

chhatiye chhundnan

સુન્દરમ્ સુન્દરમ્
છાતીએ છૂંદણાં
સુન્દરમ્

છાતીએ છૂંદણાં છૂંદાવા બેઠી

ભરબજારની વચ્ચે, હો!

હૈયું ખોલી છૂંદાવવા બેઠી

ભરબજારની વચ્ચે. હો!

કૌતુક યે કારમું લોકો

તાકી તાકી ભાળે, હો!

આંખ માંડી, આંખ મારી લોકો

તાકી તાકી ભાળે. હો!

‘વાહ રે ખરી, શૉખની રાણી!’

ભાતભાતીનું બોલે, હો!

‘છાતીએ છાપ પડાવા બેઠી!’

ભાતભાતીનું બોલે. હો!

માથડે લાંબો ઘૂંઘટો ખેંચી

છૂંદણા જાય છૂંદાવ્યે, હો!

છેડલો ખોલી છાતી પરનો

છૂંદણા જાય છૂંદાવ્યે. હો!

આંખો ફાડી તાકતી દુનિયા,

નજરે એની ના’વે, હો!

ટોળટપ્પાં ને કાંકરા લેાકના,

નજરે એની ના’વે. હો!

દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું

આંખમાં એની રમે, હો!

ખોરડા માંહ્યલો સાયબો શોખી

આંખમાં એની રમે. હો!

લોકને મૂકી લ્હેકા કરતા

ઝટ ઊઠી ચાલી, હો!

છાતીએ છાપી મોર ને કોયલ

ઝટ ઊઠી ચાલી. હો!

ફાગણ ફૂલ્યો ફૂલ કેસૂડે,

પૂનમ ચાંદની ખીલી, હો!

રંગ ગુલાબે રંગાઈ રૂડી

પૂનમ ચાંદની ખીલી. હો!

ચાંદની લીંપ્યે ચૉક જુવાનડાં

ઘૂઘરા બાંધી ઘૂમે, હો!

હાથમાં ઠાગા, રંગના વાઘા,

ઘૂઘરા ઘમ્મક ઘૂમે. હો!

નાનકડો એક ઢોલિયો ઢળ્યો,

ચૉકને ખુલ્લે ખૂણે, હો!

ઢોલિયે ઢળ્યાં નર ને નારી

ચૉકને ખુલ્લે ખૂણે. હો!

સાયબો પૂછે મૂછમાં મલકી

ગૂજરીમાં શુ વ્હેાર્યું, હો!

ફાગ પહેલા ખેલવા ગોરી,

ગૂજરીમાં શું વ્હોર્યુ. હો!

ઘૂઘટો ખેંચી ગોરી બેઠી,

માલ સંતાડે હૈયે, હો!

ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યો

માલ સંતાડે હૈયે. હો!

‘દાખવો મોંઘા માલ મોતીના!’

સાયબો પાલવ તાણે, હો!

‘રંગ મોતીના ગોતીએ ગોરી!’

સાયબો પાલવ તાણે, હો!

ઢોલની ઢમક, ચાંદની ચમક,

રંગની રેલંછેલો, હો!

મનામણાં ને રીસામણાંના

રંગની રેલંછેલો. હો!

નાવલિયાના નેહનાં નીરે,

ગોરીનાં ઉર ભીંજ્યા, હો!

રુમકઝુમક ફાગના રાગે,

ગોરીનાં ઉર ભીંજ્યા. હો!

હૈયાચૉકમાં મોર નાચે છે,

જોઈ લ્યો જેને જોવું, હો!

ઉરઘટામાં કોયલ ટહુકે,

જોઈ લ્યો જેને જોવું. હો!

આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો,

ફાગણ ફૂલ્યા ફાગે, હો!

આજ નથી ઉર છેડલો ઢાંક્યો,

ઉર ચગ્યાં છે રાગે. હો!

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939