chhanun re chhapanun kani thay nahin, thay nahin - Geet | RekhtaGujarati

છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં

chhanun re chhapanun kani thay nahin, thay nahin

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં
અવિનાશ વ્યાસ

છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં;

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છુપાય નહીં;

ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં.

આંખ્યું બચાવીને આંખના રતનને,

પડદામાં રાખીને સાસુ નણંદને;

ચંપાતાં ચરણોએ મળવું મળાય નહીં,

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.

નણદી ને નેપુર બે એવાં અનાડી,

વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી;

આવેલા સપનાનો લ્હાવો લૂંટાય નહીં,

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.

સ્રોત

  • પુસ્તક : પાંદડું લીલું ને રંગ રાતો (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1999