છ ઋતુઓ
chha rutuo
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
શરદ શી સુહે! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્રની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.
હેમન્તમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.
શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.
ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.
આવ્યો, આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોલાં ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.
ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા!
પડ્યાં પાણી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
