chameline thapko - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચમેલીને ઠપકો

chameline thapko

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
ચમેલીને ઠપકો
બાલમુકુન્દ દવે

ચટકીલી મોરી ચમેલડી રે,

લૂમે લૂમે લટક્યાં ફૂલ 'લી ચમેલડી:

ઝાઝાં ઉછાંછળાં ના થૈએ જી રે.

ચટકીલી મોરી ચમેલડી રે,

માનભર્યાં મોઘમમાં રૈએ 'લી ચમેલડી!

ગોપવીએ ગોઠડીને હૈયે જી રે.

ખીલે સરવર પોયણી, રમે ચન્દ્રશું રેન,

પરોઢનો પગરવ થતાં, લાજે બીડે નેન.

ચટકીલી મોરી ચમેલડી રે,

ઝાઝા ના ગંધ ઢોળી દૈએ 'લી ચમેલડી!

જોબનને ધૂપ ના દૈએ જી રે.

ચટકીલી મોરી ચમેલડી રે,

વાયરાના વાદ ના લૈએ ’લી ચમેલડી!

ઘેર ઘેર કે'વા ના જૈએ જી રે.

સ્વાતિમાં સીપોણીએ જલબિંદુ ઝિલાય,

વિશ્વ ભેદ જાણે નહીં, મોતી અમૂલખ થાય!

ચટકીલી મોરી ચમેલડી રે,

ભમરાની શી ભૂલ 'લી ચમેલડી!

પોતે જો ઢંગે ના રૈએ જી રે?

ચટકીલી મોરી ચમેલડી રે,

રૂપનાં રખોપાં શીખી લૈએ 'લી ચમેલડી!

દૂજાંને દોષ ના દૈએ જી રે.

(૩૧-૮-'પ૪)

સ્રોત

  • પુસ્તક : બૃહદ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010