Chalo Bhaiyo Kshetra Vishala, Tyah Aapne Jaine - Geet | RekhtaGujarati

ચાલો ભાઈઓ ક્ષેત્ર વિશાળાં, ત્યાંહ આપણે જઈને

Chalo Bhaiyo Kshetra Vishala, Tyah Aapne Jaine

નર્મદ નર્મદ
ચાલો ભાઈઓ ક્ષેત્ર વિશાળાં, ત્યાંહ આપણે જઈને
નર્મદ

ચાલો ભાઈયો ક્ષેત્ર વિશાળાં, ત્યાંહ આપણે જઈને,

મધુરો વાયુ અંગે લેતાં, મનમાં રંગી થઈને,

ઉદ્યાચળથી કિરણ પસરતાં, તેની શોભા નિરખી,

હરનું ચિંતન કરીને શક્તિ, પ્રસાદ ઇછિયે હરખી,

સજ સદ્ય થઈ, દૃઢ સંપ કરી, ઘન સૈન્ય રચી ઘૂમિયે:

જય રંગકેરૂં હો, સુખ સંપાદવા હો

અનેક બંધનમાંથી છુટવા, દહાડો પાસે આવ્યો,

જયકીર્તિનો સ્તંભ દેશમાં, રચાય તેવો આવ્યો,

ઉદ્યમ સાહસ બળ બુદ્ધિ ને ધૈર્ય પરાક્રમ દાખો,

વહેમ શત્રુ જે સામાં ઘુરકે, તે સંહારી નાખો,

સજ સદ્ય થઈ, દૃઢ સંપ કરી, ઘન સૈન્ય રચી ઘૂમિયે :

જય રંગકેરૂં હો, સુખ સંપાદવા હો

ધર્મ જાતિ ને રૂઢિ સંબંધી, વિચાર દુઃખદ ભૂંડા,

કાળ સ્થિતિને અનુકુળ નહિં તે કેમ જાણવા રૂડા,

દેશજંનને છુંદી નાંખવા, ને નિસ્તેજી કરવા,

ઉભા સામાં તેને હણવા, અવશ્ય શસ્ત્રો ધરવાં,

સજ સદ્ય થઈ, દૃઢ સંપ કરી, ઘન સૈન્ય રચી ઘૂમિયે :

જય રંગકેરૂં હો, સુખ સંપાદવા હો

એ મદમાતા જાલમ શત્રુ, રાજી રહે સહુ કોઈ,

દાસપણામાં આપણને બહુ, સૂખ માણતા જોઈ,

નથી વેઠાતાં તે વેઠિયે, કારાગૃહ અંધારાં!,

પરંતુ માનો પ્રભુ ઇચ્છા છે, હવે થશે અજવાળાં,

સજ સદ્ય થઈ, દૃઢ સંપ કરી, ઘન સૈન્ય રચી ઘૂમિયે :

જય રંગકેરૂં હો, સુખ સંપાદવા હો

નીચી ડોકે કર જોડીને, કહીયે હાજી હાજી,

લાજી લાજી આજ્ઞા માની, રહ્યા છ રાજી રાજી,

આર્ય સંતતિ વિર્ય વિનાની, હીણી છેક ગણાઈ,

હવે રિબાવવું ધિક ધિક છે, હવે તો ઝુઝવું ધાઈ,

સજ સદ્ય થઈ, દૃઢ સંપ કરી, ઘન સૈન્ય રચી ઘૂમિયે :

જય રંગકેરું હો, સુખ સંપાદવા હો

આર્ય અહં તે ગાજે શોભે, તેવું કરશું પણથી,

વધારી દૈશું ઉર ઉમંગ ને મંનતંન બળ રણથી,

સ્નેહ શૈર્યને પ્રદીપ્ત કરીશું, સ્વતંત્ર નક્કી થઈશૂં,

એવા દહાડા ઢુંકડે દીસે, જય રંગ લ્હાવા લઈશૂં,

સજ સદ્ય થઈ, દૃઢ સંપ કરી, ઘન સૈન્ય રચી ઘૂમિયે :

જય રંગકેરું હો, સુખ સંપાદવા હો

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ