chalne piya! - Geet | RekhtaGujarati

ચાલને પિયા!

chalne piya!

જગદીશ જોશી જગદીશ જોશી
ચાલને પિયા!
જગદીશ જોશી

વાંસની કરી છાબડી તેમાં દુઃખ મૂકીને વ્હેણમાં વ્હેતું કરી,

ચાલને પિયા! સુખની સામોસામ : થશે પલ તો હરીભરી....

નીલ ગગનનો દરિયો લ્હેરે

વાયરો સોનલ સાંજને ઘેરે

નેણુ ઝૂકે તારે ચહેરે

દૂરના કોઈ સૂર આવીને કેશમાં સિંદૂર જાય રે ભરી:

ચાલને પિયા! સુખની સામોસામ : થશે પલ તો હરીભરી....

નભની પેલે પાર વસે છે

સૂનો સૂનો મહેલ હસે છે

શમણાંઓ તો તસતસે છે,—

વાદળ થઈને આંખ તો પછી જાય રે ઝરી, જાય રે ઝરી :

ચાલને પિયા! સુખની સામોસામઃ થશે પલ તો હરીભરી....

હળવે હળવે હવા વહે

મનમાં મારા ઝંખના રહે

‘કૈંક તો કહે, કૈંક તો કહે!’

વેણ તારા વ્હેણમાં દીવા થઈને સરી જાય રે તરી:

ચાલને પિયા! સુખની સામોસામ! થશે પલ તો હરીભરી....

સ્રોત

  • પુસ્તક : આકાશ (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સર્જક : જગદીશ જોશી
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1972