Bolone - Geet | RekhtaGujarati

બોલોને, શું કરશો હરિ

મારા વિના એકલા, જ્યારે જઈશ હું મરી?

હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,

હું તમારા પ્રાણની ઊડી જાઉં સુરા,

હું તમારે કસબી હાથ વણાતો જામો,

જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,

મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,

નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા?

હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં

થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,

સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો

આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો.

તમને પાછી મળશે ક્યાં હૂંફ હરિ?

નજરું નમશે ક્યાંય તમારી વસમી પળે

હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,

જીવ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,

શું કરશો, હરિ?

(અનુ. મકરન્દ દવે)

રસપ્રદ તથ્યો

Rilkeના કાવ્ય 'What will you do, God, when I die?'નો અનુવાદ

સ્રોત

  • પુસ્તક : મકરન્દ-મુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 2023
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ