bolo, babasahebni jay - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બોલો, બબાસાહેબની જય

bolo, babasahebni jay

રાજુ સોલંકી રાજુ સોલંકી
બોલો, બબાસાહેબની જય
રાજુ સોલંકી

લ્યો, જુઓ, નીકળ્યો

એક વધુ વરઘોડો

બોલો, બબાસાહેબની જય!

બોલો, બબાસાહેબની જય!

વિસ્તરતા વામનજી ચાલે

લઘરાતા ને લપસણા ઠિંગુજી ચાલે

ટીખળીઓ ને ઠોળીયાઓની ઠઠ કૈં જામે

‘અવતાર’ માથે મેલીને આનંદી–ચાલે

બોલો, બબાસાહેબની જય!

બોલો, બબાસાહેબની જય!

નરપુંગવની ન્યાતના નેતાજી હાલે

લોકલાગણીના મોજાં પર બુઠ્ઠા ખોખા છુટ્ટા ચાલે

નવી રામધૂન નવી નમાજનાં

બોદાને બણબણતા કૈં પોચા પૂજારી ચાલે

બોલો, બબાસાહેબની જય!

બોલો, બબાસાહેબની જય!

આજે દર્દ દલિતોનાં રંગીન કેવાં!

ને મતપેટીનાં સીલ સૌ સંગીન કેવાં!

રંડીબાજ રખડુઓની હરકતથી

ટોળાશાહીના ટિચકારા મુમકિન કેવા

બોલો, બબાસાહેબની જય!

બોલો, બબાસાહેબની જય!

મારા ખોટીલા કંથ તમે રહેજો સદા થનગનતા

લાજ જો લૂંટાય તો લાવજો ચીંથરા રે સંસદના

બોલો, બબાસાહેબની જય!

બોલો, બબાસાહેબની જય!

પોથીપાને મ્હોર્યાં ઉમદા બબાસાહેબનાં રીંગણાં

સરઘસ, રેલી, સમારંભોમાં જામી પડ્યા છે ઠીંગણાં

બોલો, બબાસાહેબની જય!

બોલો, બબાસાહેબની જય!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010