bol whalamna - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બોલ વ્હાલમના

bol whalamna

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
બોલ વ્હાલમના
મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;

ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,

ઊંઘમાંથી મારાં સપનાં જાગે;

સપનાં રે લોલ વ્હાલમનાં.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ,

કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,

ઝૂલતાં ઝોકો લાગશે મને,

કૂદતાં કાંટો વાગશે મને;

વાગશે રે બોલ વ્હાલમના.

ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,

વાડને વેલે વાલોળ-પાપડી વીણશું લોલ,

વીંઝતાં પવન અડશે મને,

વીણતાં ગવન નડશે મને;

નડશે રે બોલ વ્હાલમના.

ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના,

ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 252)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004