થોમસ હાર્ડી
Thomas Hardy
માર્ચ ૧૮૭૦ – માર્ચ ૧૯૧૩
અહો! અભરખી, નીલમરંગી, પશ્ચિમ સાગર, વણઝારા!
ટોચે, અશ્વ ઉપરની સ્ત્રીના કેશ ફરફરે એકધારા —
મેં એને ચાહી, દીધા એણે પણ ઉરના ધબકારા.
જળકૂકડી છેટે કલરવતી, મોજાંઓ પણ દૂર – સુદૂર
દરિયે પ્રતિબિંબિત આકાશે છેડે અવિરત ઝીણા સૂર;
ઉપર, માર્ચના તડકિ્ત દિવસે, અમેય હસતાં'તાં સુમધુર.
ત્યાં વીંટળાયું વાદળ, સતરંગી વર્ષા ઊડતી આવી,
અસ્તવ્યસ્ત ધૂસરતા આટલાંટિકે સ્તરો પણ રેલાવી,
…સૂરજ પુનઃ પ્રવેશ્યો – જળને શાલ જામલી પ્હેરાવી.
– સૌંદર્યો ખડકાળ સજીને હજી 'બીની' વીંધે આકાશ,
હું ને એ નહીં જઈશું ત્યાં? આ માર્ચ તણો આવ્યો છે માસ!
વીત્યા માર્ચની મીઠી ગોઠડી ફરી માંડશું બેસી ૫ાસ...
ભલે ઝૂલે ખડકાળ રૂપમાં પશ્ચિમ કાંઠો રહી – રહી,
અશ્વ સવારી કરતી યુવતી – બીજે જ સ્થળ જઈ – વસી ક્યંહી...
નથી 'બીની'ની જાણ, ન પરવાહ – ત્યાં એ હસશે કદી નહીં.
(અનુ. ઉદયન ઠક્કર)
કોર્નવોલમાંના 'બીની'ની ટેકરી પર હાર્ડી માર્ચ 1870માં એમા ગિફોર્ડ સાથે ગયો હતો, જેને એ ચાર વર્ષ બાદ પરણ્યો. 1912માં એમનું મૃત્યું થયું.
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
