bijawarne parneli yuwtinun geet - Geet | RekhtaGujarati

બીજવરને પરણેલી યુવતીનું ગીત

bijawarne parneli yuwtinun geet

પારુલ ખખ્ખર પારુલ ખખ્ખર
બીજવરને પરણેલી યુવતીનું ગીત
પારુલ ખખ્ખર

રફૂ કરેલી થીગડી માંડે છે કંઈ વાત; રાણા, સાંભળો!

હતી અમારી તમથી નોખી જાત; રાણા, સાંભળો!

જૂનાપાના પાઘની વારતા,

દાંત વગરના વાઘની વારતા,

ના ભૂંસાતા ડાઘની વારતા,

સૂરજ માંડે વારતા ને ઢળવા લાગે રાત; રાણા, સાંભળો!

હતી અમારી તમથી નોખી જાત; રાણા, સાંભળો!

નોખાંનોખાં પોત લઈને આવિયાં,

નોખાં જીવન-મોત લઈને આવિયાં,

નોખા કાગળ-દોત લઈને આવિયાં,

તો ભેળવી એકમેકની ભાત; રાણા, સાંભળો!

હતી અમારી તમથી નોખી જાત; રાણા, સાંભળો!

અમે સજનવા આવળ, બાવળ, બોરડી,

અમે સજનવા સુવાંગ, સાદી ખોરડી,

હવે થઈશું ગઢના ખૂણે ઓરડી,

શું કરવાની મોંઘેરી ઠકરાત; રાણા, સાંભળો!

હતી અમારી તમથી નોખી જાત; રાણા, સાંભળો!

ઊભડક ઊભડક ભાન લઈને આવશું,

મધરું મધરું ગાન લઈને આવશું,

વાસંતી તોફાન લઈને આવશું,

ઝીલી લેજો લહલહતી મોલાત; રાણા, સાંભળો!

હતી અમારી તમથી નોખી જાત; રાણા, સાંભળો!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.