biDio walnarinun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બીડીઓ વાળનારીનું ગીત

biDio walnarinun geet

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
બીડીઓ વાળનારીનું ગીત
ઝવેરચંદ મેઘાણી

[ઢાળ બંગાળી બાઉલ ગાનનો]

બીડીઓ વાળો! બીડીઓ વાળો! બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો....રે!

કંથ કોડીલા ડેલીએ બેઠા,

વાડીઓ વેચી બાંધતા રેટા,

લાલ કસુંબે લેટંલેટાં પાડતા લાળો...રે!

આવશે ખાવા, માગશે થાળી, કાઢશે ગાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

ભૂખ લાગી છે-બીડીઓ વાળો!

ઊંઘ આવે છે-બીડીઓ વાળો!

આંખમાં લાગી અગન-ઝાળો: બીડીઓ વાળો...રે!

પાછલી રાતે, પો’ર દી થાતે, બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

મેલવાં વા'લાં બાળક રોતાં,

તાવ આવે તો મૂકવાં પોતાં,

નાકનાં પાણી લ્હોતાં લ્હોતાં બીડીઓ વાળો...રે!

કંથને જોશે પાન-સોપારી: બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

મીઠાં મીઠાં ઝોલાં આવે,

પાંદડાં જડદો ગાવડી ચાવે,

વાણિયો કાંટોકાંટ તોળાવેઃ બીડીઓ વાળો...રે!

ઓછું થાતાં, દામ કપાતાં: બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

રાજનું છોરુ, રાજની જોરુ,

કેમ કરી હું ઓઝલ ખોલું?

ઓરડો ઓઢી અંગ સંતાડું, બીડીઓ વાળો...રે!

સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

આજ અજવાળી રાતે રૂમઝૂમતી,

કંકુડી કોળણ રાસડે રમતી,

હુંય જાગું છું બીડીઓ વણતી: બીડીઓ વાળો...રે!

અન્ન વસ્તર ને આબરૂ સાટુ બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

પાંદડાં કાપું -આવતી નીંદર,

આંગળી વાઢે ઊંઘમાં કાતર,

ટેરવાં તૂટે વીંટતાં સૂતર: બીડીઓ વાળો...રે!

હાંફતી છાતી, ખાંસીઓ ખાતી, બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

શેઠિયો સૂતરફેણી લાવે,

પાનનાં બીડાં પાતર ચાવે,

લોહીના બળખા મારે આવેઃ બીડીઓ વાળો...રે!

છાતીએ ચાંપી શેકના ગોટા, બીડીઓ વાળો...રે!

નિરાધાર, બીડીઓ વાળો...રે!

આજ દુનિયાને હાટડે દેખો,

મોંઘા ગાંજા, ભાંગ ને સૂકો;

સોંઘો સ્ત્રીના દેહનો ભૂકો: બીડીઓ વાળો...રે!

જીવતાં જનનાં શોણિત સોંઘાઃ બીડીઓ વાળો...રે!

બીડીઓ વાળો! બીડીઓ વાળો! બીડીઓ વાળો...રે!

બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!

(1931)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997