bichchari chhokrinun geet - Geet | RekhtaGujarati

બિચ્ચારી છોકરીનું ગીત

bichchari chhokrinun geet

અરવિંદ ભટ્ટ અરવિંદ ભટ્ટ
બિચ્ચારી છોકરીનું ગીત
અરવિંદ ભટ્ટ

હું બિચ્ચારી ખોબા જેવડી, દરિયા જેવડું ગામ

મેં ભોળીએ ક્યાંક સાંભળી બંસી

મારા ગામને ગોકુળ માની લીધું

પામી નહિ અણસાર છતાં મેં

મોરપીંછના બદલામાં માખણ દઈ દીધું

નદીને ઝૂકતા ઝાડ મળે પણ મળે નહિ ઘનશ્યામ

ક્યાંક પ્હોંચતાં હશે મોજાં

કાંઠે અમથી આવન-જાવન કરતાં કરતાં

મેં ફરી લીધું છે આખું ગામ

ફળીમાં ફેર-કુદરડી ફરતાં ફરતાં

મારગ વચ્ચે પરબ મળે પણ મળે નહિ મુકામ

સ્રોત

  • પુસ્તક : એક પીંછું મોરનું (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : અરવિંદ ભટ્ટ
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1995