bhiidyaan bhiidaay nahin evaa khullaakham baarNaanun varsaadii giit - Geet | RekhtaGujarati

ભીડ્યાં ભીડાય નહીં એવા ખુલ્લાખમ બારણાનું વરસાદી-ગીત

bhiidyaan bhiidaay nahin evaa khullaakham baarNaanun varsaadii giit

સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ' સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ'
ભીડ્યાં ભીડાય નહીં એવા ખુલ્લાખમ બારણાનું વરસાદી-ગીત
સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ'

ગીત એવું વરસાદ કૈંક ગાય છે

લીલ્લા તો ઠીક સાવ સૂકેલાં લાકડાંના બારણાની છાતી ફૂલાય છે.

વરસાદી વાયરામાં ખૂલેલાં બારણાં,

કો'ક દિવસ ડાળ થઈ ઝૂલેલાં બારણાં;

જંગલના બેકાબુ ઝાડ થઈ ઊભા છે : આપણાથી ક્યાં ભીડાય છે?

ગીત એવું વરસાદ કૈંક ગાય છે.

આખાયે આંબાને બે ફાડે ફાડીને;

ખીલા, મિજાગરાં સાલ વીંધ પાડીને,

મથ્યા'તા નકામા બારીમાં બાંધવા : કોઈનાથી ક્યાં બંધાય છે?

ગીત એવું વરસાદ કૈંક ગાય છે.

લીલ્લા તો ઠીક સાવ સૂકેલાં લાકડાંના બારણાંની છાતી ફૂલાય છે.

ગીત એવું વરસાદ કૈંક ગાય છે.

સ્રોત

  • પુસ્તક : ઈદંતા (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ'
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1996