હું ગુર્જર ભારતવાસી
hun gurjar bhaaratvaasii
ઉમાશંકર જોશી
Umashankar Joshi

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુ જન મંગલ મન મારું ઉલ્લાસી.
હું...
અર્બુદ-અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
હું...
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
હું...
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અવિશંકિત :
‘સર્વ ધર્મ सम, સર્વ ધર્મ मम.’ – ઉર એ રહો પ્રકાશી.
હું...
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી.
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી
હું ગુર્જર ભારતવાસી.



સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ