Bhalajine Vakhan na Ven - Geet | RekhtaGujarati

ભલાજીને વખાણનાં વેણ

Bhalajine Vakhan na Ven

જયન્ત પાઠક જયન્ત પાઠક
ભલાજીને વખાણનાં વેણ
જયન્ત પાઠક

ભલાજી તમે ભારે કરી

મારા તે બોલ પરે મેલી દીધી રે તમે

રાજતણી ભારેખમ ચાકરી!

મહુડો મ્હેક્યો માળમાં, ટપટપ મહુડાં ગરે

કોતેડીમાં કારમી અંધારું ચળીતર કરે

ભલાજી ભલો દોરો દીધો રે તમે મંતરી

બાંધું કોટ્યે ને બાંધું કાંડે કે ઝોડ બધાં

શીશામાં જાય સીધાં તરી!

મધ બાઝ્યું છે આકડે ને સળવળ સળવળ થાય

કરો ધુમાડી લાકડે કે માંખો ઊડી જાય

ઘૂંટડે ઘૂંટડા ભરી

પીએ ભલાજી પછી એવું કે હોઠેથી કોઠે

ટાઢ્યક જાય સોંસરી!

છેટી બાંધી છાપરી ને છેટાં રાખ્યાં ગામ

છેટાં વચ્ચે આપણો સોડાસોડ મુકામ

ભલાજી તમે ભારે કરી

આડું કે અવળું ના જોયું ને આંખ્યુંમાં

આઠે પહોર મને ધરી!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑગસ્ટ 1985 (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ