ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
Tribhuvan Gaurishankar Vyas
દયા દાનની દેવી જેવી
વાદળીએ નભ ઢંકાયો,
લીલી લીલી કંચન સરખી
વસુધામાં રસ ઊભરાયો;
મેઘ રહે જો ઝર્મર્ ઝર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
મગર સમી મતવાલી ભેંસો
ઘૂનામાં હિલોળા કરે,
નદીઓની ભેખડ તોડીને
માતેલો ધણ ખૂંટ ફરે;
મનગમતા એ મોલ ચર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
માથોડા પર મોલ ગયા ને
ઉપર આવ્યાં ધજ ડૂંડાં,
ખેડૂતને હોકારે ઊડતાં
વૈયાંનાં ઝુંડે ઝુંડાં;
સૃષ્ટિએ શણગાર ધર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
પક્વ થયા રસ વનસ્પતિના
ઘાસ તણી સળીઓ પાકી,
ખૂબ ફળી કુમળી કાકડીઓ
ધ્રોએ જો ધરતી ઢાંકી;
ભીંડો તો ભારે વકર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
લાલ ચટક સિંદૂર ઘોળીને
દુર્વાનાં કૂંપળ લીધાં,
ગૃહદ્વારે મંગલમય મૂર્તિ
ગણપતિનાં પૂજન કીધાં;
મોદક મિષ્ટ પ્રસાદ ધર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
પૂર્વજનાં સ્મરી પુનિત ચરિત્રો
શ્રાદ્ધ કરે જન શ્રદ્ધાળુ,
ઘી દૂધની તે છોળો ઊછળે
થયાં ક્રૂર પણ કરુણાળુ!
અંતર પિતૃસ્નેહ સ્મર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
સદ્ગત સ્નેહીનાં સ્મરણોથી
હૈયે આવે હીંસોરા,
કઠિન હૃદય કોમળતા સેવે
ભીંજે ભાવહીણા કોરા;
અજબ પ્રવાહ મૃદુ પ્રસર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
તીખા વાદળિયા તડકા પર
ઝરમર ઝીણાં જળ વરસે,
પર્વતની જો ઊંચી ભેખો
પલળીને ધીમી ધરસે;
જળ પ્રવાહ ઝટ જાય સર્યો
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
વિજયમત્ત બે પવન દામિની
મેઘરાજનાં ભૃત્ય ફરે,
લલિત અપ્સરા સમી વાદળી
ઇંદ્રચાપ પર નૃત્ય કરે;
વ્યોમ અફાટ અહા પ્રસર્યો!
રસ ભાદરવે ભરપૂર ભર્યો.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 197)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
