bhadarwi bapor - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાદરવી બપોર

bhadarwi bapor

પ્રદ્યુમ્ન તન્ના પ્રદ્યુમ્ન તન્ના
ભાદરવી બપોર
પ્રદ્યુમ્ન તન્ના

હળુહળુ હિંચોળે લીલા ચરિયાણને

વાયરો તે લેરખીને દોર

ઓઢીને ઝોક ઝોક અંજવાળાં પોઢી છે

ભૂરી ભાદરવી બપોર!

ચરી ચરી થાકેલાં ગાડરાંય લંબાયાં ઘડી લઈ આમલીની ઓથ,

પાંખી તે ડાળ પરે ઘૂઘવતું ક્યારનું મૂંગું થઈ બેઠું કપોત,

ગણગણતી ફરે એક ભમરી કહીં આસપાસ

ઘાસ મહીં ચારે તે કોર!

હળુહળુ હિંચોળે લીલા ચરિયાણને

વાયરો તે લેરખીને દોર...

દૂર લગી દેખાતાં સીધી તે હારમાં ઊભેલાં વીજળીને ખંભ,

માંડુ જો કાન તો સરતા સંચારનો વરતાયે વેગ વણથંભ,

સીમ સીમ પથરાયો સુણું બ્હાર સોપો

ને તાર મહીં ગુંજરતો શોર!

હળુહળુ હિંચોળે લીલા ચરિયાણને

વાયરો તે લેરખીને દોર...

અચરજ એવું કે આહીં બેઠે બેઠેય મુંને અનાયાસ વિસ્તરતી ભાળું!

હું જાણે દૂર દૂર પથરાઈ સીમ, લીલું ઘાસ અને છલછલતું નાળું,

હું પરે ચકરાવે સરતી ચીલ

ને ઝળહળતાં તેજની ઝકોર!

હળુહળુ હિંચોળે લીલા ચરિયાણને

વાયરો તે લેરખીને દોર...

(૧૯૯૦)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000