bhaarat - Geet | RekhtaGujarati

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,

ભારત ઉન્નત નરવર;

ભારત નહિ ગંગા, નહિ યમુના,

ભારત સંસ્કૃતિનિર્ઝર.

ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,

ભારત આત્મની આરત;

ભારત તપ્ત ગગન કે રણ નહિ,

જીવનધૂપ ભારત.

ભારત તે રતનાગર રિદ્ધિ ન,

ભારત સંતતિરત્ન;

ભારત ષડ્ઋતુ ચક્ર ન, ભારત

અવિરત પૌરુષયત્ન.

ભારત ના લખચોરસ કોશો

વિસ્તરતી જડ ભૂમિ,

ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-

વીર પ્રાણની ઊર્મિ.

ભારત એકાકી અવધૂત ન,

કે ચિરનિરુદ્ધ કારા;

ભારત જગની જમાત વચ્ચે

મનુકુલ-મનનની ધારા.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ