ભાભીનું ગીત
bhaabhiinun geet
પરબતકુમાર નાયી
Parbatkumar Nayi

ખેતરનો શેઢો ને શેઢાની પાળ ઉપર બપ્પોરી ભાથું અણમોલ,
એમાં ભાભીના મીઠા બે બોલ!
ચૂરમાની તાંસળીમાં માખણના લોંદાને મૂક્યો છે સાચવીને કોરે,
મધમીઠા રોટલામાં ઓકળીની ભાત રૂડી ભાભીની આંગળીઓ દોરે!
ભાઈના છાંયડામાં લ્હેરાતો લીલોછમ લાગણીના ખેતરનો મોલ!
એમાં ભાભીના મીઠા બે બોલ!
નિરાંતે પેટ-ભરી બેઠા શું દેવરજી? ઊટકવા ઠામ કોણ જાશે?
ઊંચી ઘોડીનો આ ઊંચો અસવાર આમ કેટલા દી’ ઉછીનું ખાશે?
કાન જરા માંડો ઉગમણા પાદરમાં ક્યારનોય વાગે છે ઢોલ!
આવાં ભાભીના મીઠા બે બોલ!



સ્રોત
- પુસ્તક : એતદ્ : ડિસેમ્બર ૨૦૨૦ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર