besjo ho ne - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બેસજો હો ને

besjo ho ne

કૃષ્ણ દવે કૃષ્ણ દવે
બેસજો હો ને
કૃષ્ણ દવે

બેસજો હો ને,

તમે અહીં બેસજો હો ને.

જુઓ, ભૂલું પડ્યું છે ગીત તો

મીઠા મધુરા કંઠને સોંપીને બસ પાછો ફરું છું.

બેસજો હો ને, તમે અહીં બેસજો હો ને.

જુઓ, પાછો ફરું છું,

મૂળથી ઊખડી ગયેલા એક ઝરણાને જરા હું

આંખમાં રોપીને બસ પાછો ફરું છું.

બેસજો હો ને.

અરે હું જાઉં છું તો બંધ પાંપણમાં ફરી બે પાંચ સપનાંઓને પણ સરકાવતો આવું;

અરે હું જાઉં છું તો વાદળોને પણ તરત નજરે ચડે એવી તરસ ફરકાવતો આવું;

અરે ખેતરોમાં સ્મિત ના લહેરાય તો કહેજો મને.

અરે હું જાઉં છું તો જેટલી મુસકાન છે વાવતો આવું.

જુઓ, આવા જરૂરી કામ છે બેચાર,

આટોપીને બસ પાછો ફરું છું.

બેસજો હો ને.

સાંભળ્યું છે ક્યાંક વીંધાયું કશુંક ને કરુણ ક્રન્દન જાત વચ્ચોવચ થયું છે;

સાંભળ્યું છે વખત મંથન તો એની આંખ વચ્ચોવચ થયું છે;

કહેવાય છે કે પથ્થરો પણ એમની પાસે જઈને તૃપ્ત થઈ પાછા ફર્યા છે;

સાંભળ્યું છે એમનાયે હૃદયમાંથી કંઈક ખળખળખળ વહ્યું છે;

સૌ કહે છે ક્યારના તો હુંય પણ

એકાદ પ્યાલો પીને બસ પાછો ફરું છું.

બેસજો હો ને.

સ્રોત

  • પુસ્તક : વાંસલડી ડૉટ કૉમ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : કૃષ્ણ દવે
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2016
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ