bes, bes deDki! - Free-verse | RekhtaGujarati

બેસ, બેસ દેડકી!

bes, bes deDki!

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
બેસ, બેસ દેડકી!
ચંદ્રકાન્ત શેઠ

બેસ, બેસ, દેડકી!

ગાવું હોય તો ગા,

ને ખાવું હોય તો ખા;

નહીં તો જા.....

મારે પાંચ શેર કામ

ને અધમણ આરામ બાકી છે.

તું તો બોલ્યા કરે,

ને આકાશ પેટમાં ફુલાવ્યા કરે!...

મારે તો સાત લાખ સપનાં

ને વીસ લાખ વાસના બાકી છે.

તું તારે ડોલ્યા કર,

ને ગળ્યા કર જીવડાં......

મારે તો અનંત ગાઉનાં મરવાં

ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે.

બેસ બેસ, દેડકી! મૂગી!

ખા તારે ખાવું હોય તો,

નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!.....

મારે તો સાત પગથિયાં ઊતરવાં

ને સાત પગથિયાં ચઢવાં બાકી છે.

દેડકી! ડાહી થા,

મળે તે ખા,

સૂઝે તે ગા

ને નહીંતર જા.... પાવલો પા.....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 211)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004