beek na batawo! - Geet | RekhtaGujarati

બીક ના બતાવો!

beek na batawo!

અનિલ જોશી અનિલ જોશી
બીક ના બતાવો!
અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી

મને પાનખરની બીક ના બતાવો!

પંખી સહિત હવા ચાતરીને જાય

એવું આષાઢી દિવસેામાં લાગે

આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં

પણ મારામાં ઝાડ હજી જાગે

માળામાં ગોઠવેલી સળી હું નથી.

મને વીજળીની બીક ના બતાવો!

એકેય ડાળીથી હવે ઝીલ્યો ના જાય

કોઈ રાતી કીડીનોયે ભાર

એક પછી એક ડાળ ખરતી જોઈને પૂછું:

પડવાને કેટલી છે વાર?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી

મને સૂરજની બીક ના બતાવો!

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી

મને પાનખરની બીક ના બતાવો!

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989