bedii nathii - Geet | RekhtaGujarati

બેડી નથી

bedii nathii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
બેડી નથી
હરીન્દ્ર દવે

અહીં વહેતી હવામાં એક અણદીઠું ફૂલ,

એની સોડમના એંધાણે ક્યાંય ના જવાય,

મળ્યા મારગ રૂપાળા, ત્યાં રૂપાળી શૂળ.

તમે સાથે નથી ને તોય સંગે અણસાર

મારાં લોચન મનખામાં ભટકે અણજાણ,

મારા રુદિયાને સંભળાતો સૂર આરપાર.

નભે તરતાં વાદળમાં કોઈ ચુંદડીનું પોત,

સ્હેજ ચૂએ, ને ભીતર રંગાય, જણાવવા

જો મારું ચાલે, તો દેહ પિંજરને ખોત.

એના કંકુમાં હળદરનો સહેજ વધુ પાસ,

એની બિંદીને ઝળહળતી જોઈ મને થાય,

રહ્યો એક સિતારો, ને ઘેર્યું આકાશ.

બધો કોલાહલ સાંભળુ ને કેડી નથી,

સ્હેજ અહીંયાંથી જાઉં ફરી અહીંયાં કળાઉં,

મને કોણે બાંધ્યો છે ને બેડી નથી!

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ