જુગતરામ દવે
Jugatram Dave
(૧)
પાંજરાનું પંખી રહેતું સોનાના પિંજરમાં જી,
વનવગડાનું પંખી રહેતું સુંદર મનહર વનમાં જી;
એક દિવસ બન્ને પંખીડાં હળ્યાં મળ્યાં ને બોલ્યાં જી,
રામ તણી મરજીથી ભેટ્યાં, દિલ આગળ દિલ ખોલ્યાં જી.
વનનું પંખી બોલ્યું : 'સાંભળ, પિંજરના ઓ પંખી જી!
ચાલો વનમાં ઊડી જઈએ, વનમાં ઝાઝાં પંખી જી.’
પાંજરાનું પંખી બોલ્યું : 'વનના પંખી વહાલા જી!
આવ પડ્યા રહીએ પિંજર; શા દોડા કરવા ઠાલા જી?'
વનવગડાનું પંખી કહે : 'ના, એ તો ખોટી વાતો જી;
નથી અમારે બંદી થાવું, કેદ કારમી આ તો જી.’
ગરીબ બાપડું બોલ્યું પંખી પિંજરનું રહેનાર જી :
'હાય હાય! હું કેમ કરીને છૂટી નીકળું બહાર જી?'
(૨)
વનવગડાનું પંખી ગાતું બેઠું બેઠું બહાર જી,
વનવગડાનાં મીઠાં ગીતડાં, કરી કરી લલકાર જી.
પિંજરમાં રહેનારું પંખી પઢે પઢાવ્યા બોલ જી;
જાત એક પણ ભેદ અહા શો ભાષામાં અણતોલ જી!
વનનું પંખી બોલ્યું : ‘પિંજરના ઓ પંખી ભાઈ જી!
વનવગડાનાં જરા આજ તું બતાવ ગીતડાં ગાઈ જી.'
પાંજરાનું પંખી બોલ્યું : 'વનના પંખી વહાલા જી!
શીખે તો શિખવાડું ગીતો પિંજરનાં રઢિયાળાં જી.'
વનવગડાનું પંખી કહે : 'ના, કોણ શીખે તે એવું જી,
પઢ્યું બીજાનું પઢ પઢ કરવું, બોટ્યું ભોજન લેવું જી.’
ગરીબ બિચારું બોલ્યું પંખી પિંજરનું રહેનાર જી :
'હાય હાય! હું વનનાં ગીતો કેમ ગાઈ શકનાર જી?'
(૩)
વનવગડાનું પંખી બોલ્યું! ‘શી શોભા આકાશ જી!
ઘનશ્યામ શામળિયા જેવું, નહિ નામે તંગાશ જી!'
પાંજરાનું પંખી બોલ્યું : ‘પિંજરના જો તારજી-
ચોગમ કેવા બાંધી લીધા! બીક નહિ તલભાર જી.'
વનનું પંખી બોલ્યું : 'ભાઈ! છોડ પાંજરું તારું જી,
મેઘ ફરે ત્યાં આપણ ફરીએ, એ સુખ અતિશે સારું જી.’
પાંજરાનું પંખી બોલ્યું : 'સુખ સાચું પિંજરમાં જી,
પાપી પીડે નહીં પારધી, આવ ભાઈ મુજ ઘરમાં જી.'
વનવગડાનું પંખી બોલ્યું : 'ના ભાઈ, તારો પાડ જી;
વિશાળ વાદળ ક્યાં ત્યાં ફરવા, ક્યાં ત્યાં લીલાં ઝાડ જી?'
ગરીબ બાપડું બોલ્યું પંખી પિંજરનું રહેનાર જી :
'હાય! થાકીને પગ ટેક્યાનો ક્યાં નભમાં આધાર જી?'
(૪)
આ રીતે એ બે પંખીજન પૂરાં પ્રેમીજંન જી,
પ્રેમબંધને બંધાયાં, પણ નવ સંધયાં તંન જી.
વહાલ વડે ત્યાં સળિયામાંથી ચાંચે ચાંચ લગાડે જી,
નહિ બોલે નહિ ચાલે, કેવળ નજરે નજર નિહાળે જી.
કોઈ કોઈનું કહ્યું ન સમજે, મનમાં બહુ મૂંઝાય જી;
પોતાના મન કેરી વાતો, તે પણ નવ સમજાય જી.
રહી રહીને વળી ફફડાવે પાંખો ઘડીએ ઘડીએ જી;
દીન વદન કરી કહે : 'આવ હજી કને, આવ હજી, હજીયે જી;'
વનવગડાનું પંખી કહે : 'ના, હવે ન આવું આઘું જી,
કોક ક્યાંય પકડી પૂરી દે; તું જ આવ, હું માગું જી.’
ગરીબ બાપડું બોલ્યું પંખી પિંજરનું રહેનાર જી :
‘નબળી પાંખે કેમ ઉડાશે? હાય હાય લાચારજી!'
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 187)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
