bariye besun - Geet | RekhtaGujarati

બારીએ બેસું

bariye besun

મીનપિયાસી મીનપિયાસી
બારીએ બેસું
મીનપિયાસી

એકલો બેસું બારીએ મારી.

અવની અને આભની શોભા

નિત નિહાળું ન્યારી ન્યારી :

એકલો બેસું બારીએ મારી.

હોય અમાસી રાત અંધારી

તારલા તેજે ઝગમગે છે,

ઉરના મારા ઘોર અંધારે

આશ ઊંડેરી તગતગે છે:

તારલાતેજે આશના ભેજે

કૉળતી મારી ઉરની ક્યારી.

એકલો બેસું બારીએ મારી.

પૂનમ કેરો ચાંદલો આવી,

સુધાજલેથી દે નવરાવી,

મનની મારી તપ્ત ભૂમિમાં

શીતલતા શી દે છવરાવી!

હૈયાના મારા ખોબલે ઝીલું

અમી રેલે જે આભ અટારી,

એકલો બેસું બારીએ મારી.

પાન ખરેલી પીપળ-ડાળો

શોભતી જાણે લીટીઓ લાંબી,

સૂરજ, ચાંદા, તારલિયાનાં

કિરણો રમે ઓળકોળાંબી:

ખુશખુશાલી ખેલતી ખોળે.

કૂંપળ કોટિ રંગફુવારીઃ

એકલો બેસું બારીએ મારી.

રોજ સવારે શેરીએ સૂતો,

તડકો લાંબો છાંયડો લૂતો,

સાવ રે સૂકાં પાંદડાંની શી

માયા મહીં મશગૂલ છું હું તો:

ગાડાખેડૂ ને ગોવાળિયાની

નીકળે શી કૈં સાજસવારી!

એકલો બેસું બારીએ મારી.

હોય જો ગાઢું ખૂબ અંધારું,

નજર નાખ્યે કાંઈ ના ભાળું,

ઓરડે મારા આરડ્યે જાતો

ગીતમાં માગું અંતર ગાળું:

કાજળ જેવી કાળવી તોયે

દીવીએ ઝગે રાત દુલારી.

એકલો બેસું બારીએ મારી.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 484)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007