barane pukar - Geet | RekhtaGujarati

દયાસિંધુ તારે બારણે પુકારું દીન બાળ,

દીનબંધુ તારે બારણે પુકારું દીન બાળ. દયા...

દિન ઊગે વળી સાંજ પડે રે, વેગે વીતી જાય કાળ,

અજ્ઞાની સમજું નહીં રે, કરો પ્રભુ તમે પ્રતિપાળ. દયા...

ક્ષમા કરો પાપની પ્રભુ રે, કીધાં જે આજ પર્યંત,

હવે ફરી ફરી નહીં કરું રે, તારો મને ભગવંત. દયા...

તારો તારો પ્રભુ તારો મને રે, તારો ત્રિભુવન નાથ,

ભવસાગર માંહીં ભમું છું કૃપા કરી ગ્રહો હાથ. દયા...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ