pili chhe pandDi ne kalwo chh bajro - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો

pili chhe pandDi ne kalwo chh bajro

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
રાજેન્દ્ર શાહ

પીળી છે પાંદડી ને કાળવો બાજરો,

સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો.

ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે

આસો તે માસના અકારા,

આવડા અધિકડા વીત્યા વૈશાખના

આંબાની ડાળ ઝૂલનારા;

હું તો અજવાળી રાતનો માણું ઉજાગરો,

પીળી છે પાંદડી ને કાળવો બાજરો.

કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને

લાગે કાલિંદરી જેવું,

આંબલીની છાંય તે કદંબની જણાય મારા

મનનું તોફાન કોને કે'વું?

મેં તો

દીઠો રાધાની સંગ ખેલતો સાંવરોઃ

પીળી છે પાંદડી ને કાળવો બાજરો.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973