ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
Tribhuvan Gaurishankar Vyas
ધોમ ધખ્યો મધ્યાહ્ન તણો ને
સ્થંભ્યા રણ વગડાના વા,
સ્થંભ્યો શિર પર સૂરજ આવી,
લૂક લાગી તન સળગાવા;
ગરમીના સંધાયા દોર;
બળબળતા જામ્યા બપ્પોર!
સૂમસામ સૌ દુનિયા દીસે
વગડો તો સૂનકાર પડ્યો!
ઉજ્જડમાં વેતાલ સમો ત્યાં
ચકરચકર વંટોળ ચડ્યો!
એ તો ભારે મસ્તીખોર;
બળબળતા જામ્યા બપ્પોર!
ફર ફર ફર ફર ફૂદડી ફરતો
મેદાનેથી ભ્રમણ ચડ્યો,
વન-વસ્તીમાં ધૂમ મચવતો
વૃક્ષો સાથે જાય લડ્યો!
ઉન્મત્ત સરખો એનો તોર;
બળબળતા જામ્યા બપ્પોર!
ધૂળ જુએ ત્યાં ધમાલ કરતો
ગાંડો થઈ આળોટી પડે!
ઉડાડી આકાશે ગોટા
ઊંચો ઊંચો ખૂબ ચડે;
વધતું વધતું કરતો જોર;
બળબળતા જામ્યા બપ્પોર!
સૂકાં ૫ર્ણો, કૂચો કચરો
ઉછાળી ઊંચાં લઈ જાય,
જ્યાં જ્યાં આગ ઝરે ત્યાં ત્યાં એ
જરાકમાંથી જબરો થાય;
ઘરરર ફર છર કરતો શોર
બળબળતા જામ્યા બપ્પોર!
માકડાંનાં માથાં ફાટે
એવો તીખો તાપ તપ્યો,
અકળાયો તરસ્યો મુસાફર
રડ્યોખડ્યો કો જાય ધપ્યો!
જોતો એ વિશ્રાંતિ-ઠોર;
બળબળતા જામ્યા બપ્પોર!
મહેલ બગીચા કુંજ-ભવનમાં
શ્રીમંત દુનિયા થાતી ગેબ;
નિર્ધનનાં તન કરે મજૂરી
પરસેવે તો ઝેબેઝેબ!
કેવા જીવન-વિગ્રહ ઘોર!
બળબળતા જામ્યા બપ્પોર!
ચાર ઘડીના વૈભવ જેવાં
ઝાંઝવાં ઝળ ઝળ ઝળ બળે!
તેની સામે દોડી દોડી
હરણાંઓ તરસે ટળવળે!
તોય અજબ આશાની દોર!
બળબળતા જામ્યા બપ્પોર!
ગીધ ને સમડી ગગન ચડ્યાં જો
કપોત બેઠો ઘૂ ઘૂ કરે,
તેતર ચકલાં ગુપચુપ છૂપ્યાં
બાજ શિકારી ફેરા ફરે,
જંપ્યાં મધુરાં કોયલ મોર;
બળબળતા જામ્યા બપ્પોર!
ધગધગતી ધરતીની ઝાળે
ખેડૂતો શેકાતા અંગ,
બળદિયાનાં પૂંછ મરડતા
આવે સાંતીડાં લઈ સંગ;
ધિંગા ધડબા સાવ નકોર!
બળબળતા જામ્યા બપ્પોર!
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 200)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
