bajh bahadur betha chhe Deliye - Geet | RekhtaGujarati

બાઝ બહાદુર બેઠા છે ડેલીએ

bajh bahadur betha chhe Deliye

ભરત ખેની ભરત ખેની
બાઝ બહાદુર બેઠા છે ડેલીએ
ભરત ખેની

બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.

સવા શેર સૂંઠ કોની માએ ખાધી કે આવે રૂપારાણીની હવેલીએ,

બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.

સંભળાવો રાગ હવે મિયા મલ્હાર અને છુટ્ટી મૂકી દો સ્વર લહેરી,

પડ્યું રહે ભલે ખાનદેશ અને માળવું, ભરવી નથી રે એની પહેરી.

રૂહ અને મજહબ છે મોસીકી અમારો, કહો હાથથી રબાબ કેમ મેલીએ?

સવા શેર સૂંઠ કોની માએ ખાધી કે આવે રૂપારાણીની હવેલીએ.

બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.

રાજ કામકાજ બધાં મેલી દો માળિયે, નાચગાનની મહેફિલો લગાવો,

તોળાતી રહેવા દો તલવાર્યું મ્યાન, જરા સુરા-સુરાહી મગાવો,

સમજી લો છેલ્લી વારકું સલામ, ખાન અધમની સાથ જંગ ખેલીએ.

સવા શેર સૂંઠ કોની માએ ખાધી કે આવે રૂપારાણીની હવેલીએ.

બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.

રસપ્રદ તથ્યો

માંડવ(માંડુ)ના સુલતાન બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમ અને સંગીતપ્રેમની કથા પ્રખ્યાત છે. ઈ. સ. 1561માં અધમખાન (અકબરનો પાલક ભાઈ, મહામ અંગાનો નાનો પુત્ર) માળવા પર આક્રમણ કરે છે અને બાઝ બહાદુર હારે છે. આ ઘટનાની આગલી સાંજ કૈંક આવી હશે.

સ્રોત

  • પુસ્તક : એતદ્ - ઓક્ટોબર- ડિસેમ્બર-2020 (પૃષ્ઠ ક્રમાંક 15)