અત્તરિયાને
attariyaane
બાલમુકુન્દ દવે
Balmukund Dave
બાલમુકુન્દ દવે
Balmukund Dave
અત્તરિયા! અત્તરના સોદા ન કીજીએ :
અત્તરિયા! અત્તર તો એમનેમ દીજીએ.
હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર,
ભલે છોગાંની ખોટ ખમી લીજીએ.
ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ન પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.
આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ.
આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ —
રૂંવે રૂંવે સૌરભની લેર્યું લે'રાય, એવાં
ઘટડાંમાં ઘેન ભરી દીજીએ.
સ્રોત
- પુસ્તક : બૃહદ્ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2010
