atmdipo bhaw - Geet | RekhtaGujarati

આત્મદીપો ભવ

atmdipo bhaw

ભોગીલાલ ગાંધી ભોગીલાલ ગાંધી
આત્મદીપો ભવ
ભોગીલાલ ગાંધી

તું તારા દિલનો દીવો થાને,

ઓ રે, ઓ રે, ઓ ભાયા! -તું તારાo

રખે કદી તું ઊછીનાં લેતો

પારકાં તેજ ને છાયા

એ રે ઊછીનાં ખૂટી જશે, ને

ઊડી જશે પડછાયા. – તું તારાo

કોડિયું તારું કાચી માટીનું,

તેલ દિવેટ છુપાયાં,

નાનીશી સળી અડી ન અડી

પરગટશે રંગમાયા–તું તારાo

આભના સૂરજ ચદ્ર ને તારા

મોટા મોટા તેજ–રાયા :

આતમનો તારો દીવો પેટાવા

તું વિણ સર્વ પરાયા–તું તારાo

સ્રોત

  • પુસ્તક : સાધના (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
  • પ્રકાશક : રમણલાલ પી સોની
  • વર્ષ : 1994