Ashtanayika : Vasaksajja - Geet | RekhtaGujarati

અષ્ટનાયિકા : વાસકસજ્જા

Ashtanayika : Vasaksajja

વિનોદ જોશી વિનોદ જોશી
અષ્ટનાયિકા : વાસકસજ્જા
વિનોદ જોશી

પ્રિયતમ, સેજ સજાવું...

સંગ સલૂણો ધરી ચિત્તમાં સહજ સ્પંદ સહેલાવું...

રંગભવન રતિરાગ રસીલું,

અંગ ઉમંગ સુગંધિત ઝીલું;

કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું...

પ્રિયતમ, સેજ સજાવું...

મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,

પુષ્પિત નિબિડ નિશા વરણાગી;

તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું...

પ્રિયતમ, સેજ સજાવું...

સ્રોત

  • પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ઉત્પલ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2023