અષાઢે
ashadhe
ઉશનસ્
Ushnas
અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢે૦
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢે૦
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયાશું મુખ ના મોડીએ જી. — અષાઢે૦
સ્રોત
- પુસ્તક : વેદના એ તો વેદ (ઉશનસનાં ગીતો) (પૃષ્ઠ ક્રમાંક 42)
- સર્જક : ઉશનસ્
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2001