asalnerna nur - Geet | RekhtaGujarati

અસલનેરનાં નૂર

asalnerna nur

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
અસલનેરનાં નૂર
બલવંતરાય ઠાકોર

ગજવીએ ગાઈ ઉચ્છલત ઉર

અમારા અસલનેરનાં નૂર

હિંદુ, જિન, મહમ્મદી, પારસી

કરી જુદાઈ ડૂલ,

બને જ્યાં એક-દૂધ મનુકુલ!

–અમારા અસલનેરનાં નૂર. ગજવીએ...

નથી જ્યાં દોલત કેરા છાક,

નથી જ્યાં સત્તામદ નાપાક,

નથી જ્યાં રંક નર્યા હેવાન,

નથી જ્યાં દુર્બળ કેવળ બાન,

વિદ્યા, તપ, આતમ-બળને જ્યાં

પૂજે રાજા રંક,

ભિલ્લ ઘાતકી બન્યા મહર્ષિ,

મ્હાર બન્યા જ્યાં સંત,

— પળાયા જેહ તણા ઉપદેશ

વેદના દ્રષ્ટાથીય વિશેષ! ગજ... હિંદુ... અમા... ગજ...

કુટુમ્બો જ્યાં ત્રણ પેઢી સંઘ

ભજે ભવયાત્રા તાપસ-ઢંગ,

મહાજનની જ્યાં મીઠી આણ

ધરે શિર મજૂર, શેઠ, પ્રધાન;

શહેર આછાં છે જ્યાં સાદાં,

કુદરત નૂર ભરેલ,

ગામ અસંખ્ય વિષે જ્યાં વિદ્યા-

કસબ કલાની રેલ,

મનુનો મધપૂડો પ્રાચીન,

સનાતન સાત્ત્વિકરસલયલીન. ગજ... હિંદુ... અમા... ગજ...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941