ardhe suraj chhatakya - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અરધા સૂરજ ઝાલ્યા, સૈયર! પરધા રહી ગ્યા બ્હાર;

અરધાં આંગણ લીંપ્યાં, સૈયર પરધે ખૂટી ગાર.

અરધાં વાદળ ફૂટ્યાં, સૈયર! પરધા ટૌક્યા મોર;

મોભારે હેલી હલકી પણ કોરી નેવાં કોર!

હાથેથી ખીલડો છટક્યો પણ ભોજન ટાઢાં–બોળ;

કોઈ કોરથી ધૂળ ઊડે ના-શેરી ઝાકમઝોળ!

કાલ હતા જ્યાં કલરવકાંઠા આજે સિંદૂર થાપા;

કાલ કેવડા સાંકળ મહેક્યા આજે ઝંપ્યા ઝાંપા!

કાલ ચમકતા ધૂળમાં ચાંદા તારા થઈને બેઠા;

કાલ ઢોલિયે પારસ પરગટ-બાવળ થઈ ને બેઠા!

કાલે મહુડી ટપટપ સૈયર! આજે બેઠા ડોળ;

અરધે સૂરજ છટક્યા સૈયર! મનખો કાગારોળ!

સ્રોત

  • પુસ્તક : મથામણ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984