antarpat - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અંતરપટ અદીઠ,

અરેરે! આડું અંતરપટ અદીઠ!

અહીં મેં માંડી, તહીં તેં માંડી,

આંખની આતુર મીટ,

પળ ઊપડી પટ પુન: બિડાયું,

વા વાયરો વિપરીત. અરેરેo

તું મારાં - હું તારાં ઝીલું,

વિરહે વ્યાકુળ ગીત;

રાગ સુણ્યો પણ રંગ રેલ્યો,

વસમું સંગીત. અરેરેo

પા ઊછળે, તે પા ઊછળે,

હ્રદયો ભરી ભરી પ્રીત;

આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,

ચેન પડે નહીં ચિત્ત. અરેરેo

ખીણ કે ખાડી, નદી નથી આડી,

વંડી, વાડ કે ભીંત;

હાથ ચડે નહીં, તોય નડે

ઝાકળ-ઝીણું ચીર. અરેરેo

સ્રોત

  • પુસ્તક : પ્યાસ અને પરબ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2011